Disable Copy Paste

રવિવાર, 19 ઑગસ્ટ, 2018

શીલવંત સાધુને નમીએ પાનબાઈ..

શીલવંત સાધુને નમીએ પાનબાઈ..
શીર્ષકરૃપ પ્રસ્તુત ધ્રુવપદ ગંગાસતીના એક ભજનનું છે. આ ભજનમાં તેમણે સરળ શબ્દોમાં સાચા સાધુની ઓળખ આપી છે. 'સાધુ કોણ ?' એનો ટૂંકોટચ અને સચોટ જવાબ છે. જે શીલવંત છે તે. અર્થાત્ જે સચ્ચરિત- સાધુચરિત છે તે. શીલવંત સાધુ સદા વંદનીય છે.
આવો સાધુ બોલતો નથી. તેનું જીવન બોલે છે. જેણે અન્ય માટે જીવન સમર્પ્યું છે તે સાધુ, જેનું સુખ સર્વનું સુખ છે અને સૌનું દુઃખ જેનું દુઃખ છે તે સાધુ, ભગવાનને માનવાનું જે બીજાઓ માટે સરળ બનાવે તે સાધુ, જે સહનશીલ છે તે સાધુ, જે સત્યને નામે અસત્યને આશ્રય આપવાનું અને ધર્મના નામે પાપને પોષવાનું સહન કરી શકે નહિ તે સાધુ. સાધુ નામ અર્થાત્મક નહિ પરંતુ આચારાત્મક છે. તે સદાચારી, પરોપકારી તેમજ સમસ્ત માનવતા સંવેદનશીલ હોય છે. તેનામાં અહંકાર નહિ, વિનમ્રતા હોય છે. તેની વાણીમાં કડવાશ નહિ, મીઠાશ હોય છે. તેનામાં ઇર્ષ્યા- દ્વેષ ભાવના નહિ, સર્વને માટે પોતાપણાનો, આત્મીયતાનો ભાવ હોય છે. તે સદા સંતોષી અને સમાન ચિત્તવાળો છે. તે કદી સન્માનથી પ્રસન્ન થતો નથી અને અપમાનથી ગુસ્સે પણ થતો નથી. તેણે કામ,ક્રોધ, લોભ, મોહ, માયા અને મદનો ત્યાગ કર્યો છે. તેની પાસે સંયમલક્ષ્મી છે. તપ-સંપત્તિ છે, જ્ઞાાન વૈભવ છે અને નીડરતાભર્યું સત્તાબળ છે. તે સર્વ પ્રત્યે સમભાવ દાખવે છે.
આવો સદાચારી સાધુ સાચો ઉપદેશ આપે છે, સારી શિખામણ આપે છે. સમતા અને સુબુધ્ધિ આપે છે, કુબુધ્ધિને હરે છે, જ્ઞાાનનો માર્ગ બતાવે છે. ભાવ અને ભક્તિ આપે છે. પ્રેમનો પરિચય કરાવે છે, ભરાય નહિ એવાં મન ભરી દે છે, આત્માનો વિચાર આપી બ્રહ્મનાં દર્શન કરાવે છે. આવા શીલવંત સા ધુને વારંવાર વંદન હો
આ ભજનમાં ગંગાસતીએ શીલવંત સાધુની સુપેરે ઓળખ આપી છે.


શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે……
શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. 
શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… 
શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… 
શીલવંત સાધુને….

🙏🌹જય જીવણ બાપા🌹🙏
🙏હસમુખ મનુભાઈ બાબરિયા  🖉 18-08-2018🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો